Translate

Thursday, 7 November 2013

પ્રાર્થના ***મહેન્દ્ર જોષી

તું એક છે મારા સકલ બ્રહ્માંડનું ઝળહળ કમળ
જો ,મેં હથેળીમાં ભર્યા તારા સરોવરના જ જળ

મઘમઘ તને હું જોઉં કે જોઉં હું આ જૂઈનો ભરમ
મારી નજરમાં, ઘ્રાણમાં ,છે શ્વેત ગન્ધોના પડળ

ઓઝલ કરે ઘરની બધી યે ચીજ-વસ્તુઓ પ્રથમ
ઉઘડે ગગન ને ટમટમે તારક સમા ચહેરા અકળ

બહુ વાર મેં કાગળ ઉપર ભૂંસી-લખી કવિતા કરી
ભૂંસી શક્યો ના કદી 'તું ' નામનો અક્ષર  અચળ

એ હઠ કરીને આવશે ,ઝાંઝર પહેરી ઝૂમશે -
એ એક ઝરણું છે ,વાળી લે  ઘર તરફ તું એક પળ

તારી નદીમાં મેં ય તરતી મૂકી નૌકા  આજીવન
બહુ સાંભળ્યું છે આંખમાં પણ હોય છે ઊંડા વમળ

જોષી હવે તો એકસરખા લાગતા ચહેરા બધા
હું મૌનને તળિયે ઠર્યો તો પ્રાર્થનાઓ થઇ સફળ

******************(આગામી ગઝલસંગ્રહમાંથી )

Friday, 13 September 2013

સ્મૃતિસંસાર ***મહેન્દ્ર જોષી

ફરી-ફરીને આવું છું એ જ પથ પર એ જ તરુવર એ જ છાયા
એ જ ઘેરાં જાંબલી પર્ણો એ જ સાંજ  એ જ અઢળક  માયા
તારી ચરણધૂલીને કેશરવર્ણી  કરતો એ જ મંદ્ર  તડકો
ચૂમી લઉં છું એ જ વસુંધરાને ફરી ફરી ..તારા નામ પર

 જ્યાં ઊભી તું પ્રતીક્ષા કરતી વ્યાકુળ નેત્રે તારા ગભીર કવિની
શુક્રનો ઉદય થઇ જતો ને રાતરાણી તને ભ્રમિત કરી દેતી
સમય ક્યારેક હાથ ગ્રહી મને રોકી લેતો પેલા ઘોર સર્પવનોમાં
પછી,મારા સ્કંધ પર ઝૂકી ઝરમર્યા કરતો શ્રાવણ તારા નેત્રોમાંથી

આજ,ફરી -ફરી કોઈ ફૂંક મારી જગાડે છે મને સ્મૃતિશય્યામાંથી
એ જ રક્તિમ હોઠ એ જ દંતતપંક્તિ એ જ આર્દ્ર કરતો અવાજ
એ જ રસમય નેત્રો  એ જ ચમકતું ભાલ  એ જ નમનીય રૂપ
સમય ચક્રને પાછું ઠેલતા એ જ હાથ, જાણે તું જ આવી ઊભી છે !

હે મૃણમયી ! હું આ અંધકારમાં બુન્દ બુન્દ દ્રવી જાઉં તે પહેલાં
રજા આપ ,તારા ખોબે ધરી જાઉં ગતકાળના શેષ સ્મૃતિપુષ્પો ....... 

Friday, 23 August 2013

અરીસામાં ***મહેન્દ્ર જોષી

તને એવી રીતે હું જોઉં છું મારી પ્રતીક્ષામાં
મને જેવી રીતે હું જોઉં છું ઝાંખા અરીસામાં

બધા રસ્તા નદીની જેમ વહેવા લાગશે ક્યારે?
ચરણ બોળીને બેઠો છું અહી તારા જ રસ્તામાં

બીડેલા છીપ જેવી   લાગણી ને  હાથમાં છે રણ
તને જો ધારણા હો સ્વાતિની તો ફેંક દરિયામાં

મને પંખી કહે પિંજર કહે અથવા કહે આકાશ
છતાં હોતો નથી હું ક્યાયપણ  તારા પુરાવામાં

સળગતા કોલસા પર નીતરે છે આંખના વાદળ
વિચારું જ્યાં તને ત્યાં તો નીકળતો હું ધુમાડામાં

તને છે ઘાસનું ઘેલું મને છે ઓસની  ભીતિ
કહે તું કૈ રીતે મળવું વરસતા છેક તડકામાં

અહી ભયગ્રસ્ત હાથોમાં થયો છું કેદ વર્ષોથી
તને હું કેમ સમજાવું દિવસની એક ઘટનામાં

(કાવ્યસંગ્રહ 'તંદ્રા 'માં થી વર્ષ ૧૯૮૫ )