Translate

Thursday 6 October 2011

રાવણની સ્વગતોકતિ


 મિત્રો ,આજ દશેરા .એક કાવ્ય મુકું છું .

રાવણની સ્વગતોકતિ.....

જયારે સાંભળુ છું  કે મારા પગ પાણીના છે
હાથ માટીના છે છાતી વજ્રની છે ને
મસ્તક સોનાના છે
ત્યારે
મારું આખુંય શરીર  ગુમાનથી
ટંકારી ઉઠે છે ધનુષ્યની  જેમ
પણ ક્યારેક મધરાતે પૂર્વજન્મની સ્મૃતિ
જેવા કોઈ હાથમાં
ઉગેલા ઘાસની ગંધ મને વ્યાકુળ કરી જાય છે
ત્યારે મારી આંખ સામે ઉભરાય છે
હરણના હજાર હજાર ટોળાંઓ ને હું
એક વખત છુટા મુકેલા એ હરણને
પાછા બોલાવું છું પણ ...
ખાલીખાલી હાથને ખજવાળતો
જોયા કરું છું સ્થિર ઉભેલા એક હરણને
જે ક્યારેક સોનાનું હતું !
(તંદ્રામાંથી )


Tuesday 4 October 2011

નામ

રાષ્ટ્રીય સર્વ ભાષા કવિંસંમેલન ૨૦૧૦

કોંકણી કવિતાનો ગુજરાતી અનુવાદ * કવિ વેણીમાધવ બોરકર *અનુવાદ * મહેન્દ્ર જોશી

નામ

હજારો નજરથી બચીને
આપણે  મળ્યા એકમેકમાં
સમયવિહીન .
 વૃક્ષની શીળી છાય તળે
તારો હાથ મારા હાથમાં .
મારી આંગળીઓ  સ્પર્શી ગઈ
તારી મખમલી હથેળીની
ઉપસેલી મહેંદીની ભાત ઉપર...

બોરસલ્લી જેવી મહેકતી ક્ષણો
મારા હ્દયમાં વિખરાઈ ગઈ

એ ક્ષણોની
માળા પરોવીને
લખું છું મારું નામ,
તારા નામની આગળ
કાળના રેતપટ ઉપર .....

(આકાશવાણી રાજકોટ દ્વારા )

Wednesday 28 September 2011

તારા માટે

હિન્દી કવિતાનો ગુજરાતી અનુવાદ .....મહેન્દ્ર જોશી
તારા માટે
કાચની બંધ બારીઓ પાછળ
તું બેઠી હશે ઘુંટણ વચ્ચે મોં છુપાવીને
જો તારા-મારા વચ્ચે
એક પણ શબ્દ નથી તો શું થયું ?

મારે જે કહેવું છે તે કહી જઈશ
અહી આ રીતે અદ્રશ્ય રહીને
મારું હોવું એક સુગંધ જેમ
તને અંદર -બહારથી ભરી દેશે .

તું જયારે ઘુટણ પરથી માથું ઉઠાવીશ
ત્યારે બહાર મારી આકૃતિ નહિ હોય
આ ધૂંધવાતી સાંજ
અને
કાચ પર ઠરેલ થોડાક ઝાકળ બિંદુઓ
જોઈ શકીશ
જેને આ અંધકારમા પીગળીને
તારા માટે છોડી ગયો હોઈશ .----સર્વેશ્વર દયાલ  સક્સેના 

Monday 26 September 2011

તારું હાસ્ય ....


               તારું હાસ્ય ---હિન્દી કવિતાનો ગુજરાતી અનુવાદ...મહેન્દ્ર જોશી 


              તારું હાસ્ય 
              ધુમ્મસ વીંધીને 
              સીધું સુર્ય કિરણ જેમ આવે છે 
              જાણે પ્રભાતની ચકલીઓનું સંગીત 
             તારું હાસ્ય ....
             
             તું અખબાર લઈને 
             જાણે બાલ્કનીમા બેઠી છે 
             એક સૌંદર્યની કલ્પના જગાવતી 
             નીચે રસ્તા પરની ભીડથી આસકત 
             અને વિરક્ત પણ 
            તારું હાસ્ય .....

            હું તેને ઘણીવાર યાદ કરું છું 
            જાણે સાંજે એકલો ફરવા નીકળ્યો છું 
            અજાણ્યા રસ્તા ઉપર 
            અજવાસ અને અંધકારની 
            એક વિચિત્ર આત્મીયતામાં 
            અર્ધજાગૃત અર્ધતંદ્રીલ 
            સ્વયમમાંજ લીન 
            તારું હાસ્ય .....

            ઘણા દિવસો થયા 
            તેને મારા રક્ત પ્રવાહમા અનુભવ્યાને
           
            મારી આંખોના અશ્રુજળ મા 
            પંખો ફફડાવતા તે હંસને 

            પામવું દુર્લભ ગતિમાંન
            તારું હાસ્ય .......         સર્વેશ્વરદયાલ  સક્સેના

Thursday 22 September 2011

એક હિન્દી કવિતા


             એક હિન્દી કવિતા નો ગુજરાતી અનુવાદ ...મહેન્દ્ર જોશી 


            જ્યારથી 
            મેં નવા બૂટ ખરીદ્યા છે 
            મારી ચાલ બદલાઈ ગઈ છે
            
            પણ જમાના ની ચાલ એજ છે. 
            મિત્રો કહે છે 
            હું ડાબા પગ ઉપર વધુ ભાર દઉં છું
            વાત એ છે 
            હું જમણ‌‍ા પગ ની તકલીફો ટાળી રહ્યો છું.

        ----    સર્વેશ્વર દયાલ સક્સેના ....