Translate

Thursday 6 October 2011

રાવણની સ્વગતોકતિ


 મિત્રો ,આજ દશેરા .એક કાવ્ય મુકું છું .

રાવણની સ્વગતોકતિ.....

જયારે સાંભળુ છું  કે મારા પગ પાણીના છે
હાથ માટીના છે છાતી વજ્રની છે ને
મસ્તક સોનાના છે
ત્યારે
મારું આખુંય શરીર  ગુમાનથી
ટંકારી ઉઠે છે ધનુષ્યની  જેમ
પણ ક્યારેક મધરાતે પૂર્વજન્મની સ્મૃતિ
જેવા કોઈ હાથમાં
ઉગેલા ઘાસની ગંધ મને વ્યાકુળ કરી જાય છે
ત્યારે મારી આંખ સામે ઉભરાય છે
હરણના હજાર હજાર ટોળાંઓ ને હું
એક વખત છુટા મુકેલા એ હરણને
પાછા બોલાવું છું પણ ...
ખાલીખાલી હાથને ખજવાળતો
જોયા કરું છું સ્થિર ઉભેલા એક હરણને
જે ક્યારેક સોનાનું હતું !
(તંદ્રામાંથી )


Tuesday 4 October 2011

નામ

રાષ્ટ્રીય સર્વ ભાષા કવિંસંમેલન ૨૦૧૦

કોંકણી કવિતાનો ગુજરાતી અનુવાદ * કવિ વેણીમાધવ બોરકર *અનુવાદ * મહેન્દ્ર જોશી

નામ

હજારો નજરથી બચીને
આપણે  મળ્યા એકમેકમાં
સમયવિહીન .
 વૃક્ષની શીળી છાય તળે
તારો હાથ મારા હાથમાં .
મારી આંગળીઓ  સ્પર્શી ગઈ
તારી મખમલી હથેળીની
ઉપસેલી મહેંદીની ભાત ઉપર...

બોરસલ્લી જેવી મહેકતી ક્ષણો
મારા હ્દયમાં વિખરાઈ ગઈ

એ ક્ષણોની
માળા પરોવીને
લખું છું મારું નામ,
તારા નામની આગળ
કાળના રેતપટ ઉપર .....

(આકાશવાણી રાજકોટ દ્વારા )