Translate

Saturday 25 January 2014

મિત્રો ,
પ્રતિવર્ષ આવતા બે રાષ્ટ્રીય તહેવારો આપણે હવે કર્મકાંડથી  ઉજવીએ છીએ.આપણો  દેશ આપણા માટે હવે છેલ્લી  પસંદગીનો રહ્યો હોય એ હદે આપણે સ્વકેન્દ્રી  અને આપ મતલબી  થતા જઈએ છીએ. બીજાનું જે થાય તે આપણું તો થવું જ જોઈએ એવી એક વ્યાપક સંકુચિત હિન લાગણી પ્રવર્તી રહી છે ચોમેર .સામાન્ય માણસથી માંડી વગદાર વ્યક્તિ સુધી .આ એક સર્વનાશક  રોગ  જ છે !આપણે બધાં જ એના ઉપાય  જાણીએ છીએ છતાં કંઇ જ કરતા  નથી ,અરે વ્યક્તિગત રીતે થઇ શકે તે પણ નહિ !શું કહેવું આપણી રાષ્ટ્રીયતાને અને શું કહેવું વારે તહેવારે પ્રગટતા આપણા દેશપ્રેમને? આપણે બોલવામાં ,લખવામાં અને ચર્ચા કરવામાં કે દંભ કરવામાં શૂરા છીએ એટલે કે દંભી છીએ .આપણે પદ,પ્રતિષ્ઠા ,ધન કે સત્તા મેળવવા બધું જ કરીએ છીએ .થાય તેટલું જુઠ્ઠું અને ખોટું કરવા નીચલી હદે ઉતરી જઈએ છીએ અને લોકનજરે જાણે સ્વચ્છ ચારિત્રવાનની છબી નિવેદનો દ્વારા પ્રગટ કરતા રહીએ છીએ .આથી વધારે ભારતીયતાનું અને  એક પ્રજા તરીકેનું વધુ પતન શું હોઈ શકે ?  મિથ્યા ગૌરવ લઈએ છીએ ,ખરેખર મહાન થઇ ગયા ,શહીદી વહોરી લીધી તેવા નેતાઓના નામ આપણી ગરજે  વટાવ્યા કરીએ છે .શું આવા લોકો પ્રજા જીવનનો ઉદ્ધાર કરી શકે ?ભાષણોમાં શહીદોના બલિદાનોને બિરદાવીએ છીએ પણ આપણે કેટલું  બલિદાન આપ્યું આ ભારત માતા માટે ? ..શૂન્ય ....માત્ર સત્તા હાંસિલ કરી ધન ઉપાર્જન ,તે પણ કેટલું ...પેઢીઓ લગ ....ધિક્કાર છે આ દેશપ્રેમને વટાવતાં સ્વાર્થી માનસને !...ઉચ્ચ પદે  બેઠેલા ખોટું કરશે એટલે નાના માણસો આ બધું કરશે જ અને એક વ્યાપક વિષ જાળ ફેલાઈ જાય.... કવિશ્રી ઉમાશંકર જોશી કેવો વેધક પ્રશ્ન પૂછે છે આપણને ...'દેશ તો આઝાદ થાતા થઇ ગયો ,તેં શું કર્યું?"

       
આપણે સામાન્ય માણસ મોટી અને ભ્રામક વાતોમાં ન ફસાય અને  જો આટલું કરીને  અમલમાં મૂકીએ તો પણ એક નાની સરખી દેશસેવા જ છે ..... આપણી રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાર્થક છે ...
(
૧) જે ગામ,નગર શહેર કે મહાનગરમાં વસીએ છીએ ત્યાં એક ભારતીય નાગરિક તરીકે કેમ વર્તીએ છીએ ?
(
૨) ઘર આંગણું,શેરી ,રસ્તાઓ ,અને જાહેર સ્થળો,બાગબગીચા જવાબદારીપૂર્વક ચોખ્ખા રાખીએ છીએ ?
(
૩) દુર્લભ થતાં ઉર્જાના સ્રોતો ,મીઠું પાણી ,વીજળી ,ગેસ .પેટ્રોલ,ડીઝલ,જમીન ,અનાજ ,ખનીજો અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ વિવેકપૂર્વક અને કરકસરથી વાપરીએ છીએ?
(
૪) વધતી જતી વસ્તી વચ્ચે વાહનોની સંખ્યા પણ સમસ્યા બનતી જાય છે ...ત્યારે રસ્તા ઉપર કે શેરીમાં કોઈને નડેનહિ  તેમ પાર્કિંગ કરીએ છીએ ?જો આપણે વાહન  પર ભગવાનના નામ લખીએ છીએ પણ એજ
વાહન  રસ્તા વચ્ચે બધાંને નડે તેમ હોય તો તે દેશપ્રેમ કહેવાય કે ધર્મપ્રેમ કહેવાય?ધર્મપ્રેમી તરીકે ગૌરવ લઇ ફરીએ છીએ પણ દેશપ્રેમ? નાગરિકતા?વાહન ચલાવતી વખતે ચાલી જતી  વ્યક્તિનું
કે તેને  ઈજા ન પહોંચે તેવું ધ્યાન રાખીએ છે ?વિના કારણ હોર્ન વગાડી કોઈને ગભરાવવા તે દેશપ્રેમ છે ?
(
૫) વ્યવસાય અર્થે કે અન્ય કોઈ રીતે નાગરિકની સુવિધા ફૂટ પાથ પર કે અન્ય જગા એ  દબાણ કરી ટ્રાફિક સમસ્યા ઊભી કરી સમાન્ય માણસને મુશ્કેલીમાં મૂકી દઈએ છીએ ખરા?તો પણ આ દેશપ્રેમ નથી!
(
૬) જાહેર સ્થળો પર ટ્રાફિકને અડચણ પડે તેમ ધાર્મિક સ્થાનો ઊભા કરી લેતા હોય તે ધર્મપ્રેમ કે દેશપ્રેમ છે ખરા?
(
૭)મહાન ભારત ,ભવ્ય ભારત સાંસ્કૃતિક ભારત એવું રોજ રોજ સુત્ર ઉચ્ચારીએ છીએ ત્યારે આપણે આપણા હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને પુરાતત્વીય સ્થાનોની સંભાળ રાખીએ છે ખરા?સરકાર સિવાય આપણી હજારો વર્ષની જૂની સંસ્કૃતિનું સંરક્ષણ કરવાની આપણી પ્રજા તરીકે ભારતીય તરીકે કોઈ ફરજ ખરી/તેનું વિધ્વંશ થતું અટકાવીએ તો પણ ઘણું!
(
૮)   લાખો માણસો રસ્તા ઉપર ,હોટેલોમાં અખાદ્ય અને ભેળ સેળ યુક્ત ગમે તેવું વગર વિચાર્યે એક યા બીજા કારણસર ખાઈ લે છે અને ભયંકર રોગને નોતરી દવામાં અને સારવારમાં પૈસા ખર્ચે છે તે વ્યક્તીગત રીતે હાનીકારક છે જ પણ પેલા ભેળ સેળ કરનારાઓની ભારતીયતા અને દેશપ્રેમનું શું ?
(
૯) કેટલાંક કામ ઓફિસમાં ફરજ્પૂર્વક પગાર મેળવીને કર્મચારીઓએ કરવાના હોય છે ,તે કામ નિશૂલ્ક હોય તો એના માટે લાંચરૂપે કરી આપે અને આપણે મજબૂરીથી આપીએ પણ ખરા શું આ દેશપ્રેમ છે ?સરકારી કે સ્વૈચ્છિક સંસ્થા પ્રચાર કરે છે છતાં પણ...
(
૧૦) .મારું  માનવું છે લોક શાહી ટકાવવી હોય તો આ નાના કામો સામાન્ય માણસ માટે મોટા છે જો આટલું પણ આજની પરિસ્થિતિમાં કરી શકીએ તો પણ મોટી સેવા જ્ છે ..ધર્મ પ્રેમ છે ...કોઈ મંદિર મસ્જીદ મઠ થાનકો કે આશ્રમોમાં જવાની જરૂર નથી .કોઈ સભા સરઘસ કે કોઈના હાથા બનવાની જરૂર નથી ..આ વ્યક્તિગત મંતવ્યો છે પણ બહુ કામના છે ..દેશને મહાન જોવાની ઝંખના હોય તો આટલું કરી શકી તો પણ ઘણું.....દેશની ટીકા કરવાથી કે નેતાઓનો ટીકા કરવાથી કંઇ જ વળવાનું નથી એક નાગરિક તરીકે  આપણી પણ ફરજ અને દરકાર હોવી ઘટે .... શું આપણે આ દેશમાં રહેતા નથી? તોજ ગીત ગાવાનો આપણને અધિકાર છે 'સારે જહાંસે અચ્છા હિન્દોસ્તા હમારા '...અસ્તુ ભારત માતા ની જય ..વંદે માતરમ ...

Friday 17 January 2014

કવિતા અને હું ***કવિ કેફિયત

કવિતા અને હું ***કવિ કેફિયત ***મહેન્દ્ર જોષી
શૂન્યમાંથી શબ્દ સર્જાવાની અકળ મથામણ ***પ્રકાશિત લેખ શબ્દસૃષ્ટિ નવેમ્બર ૨૦૧૧
ભાગ -૩
      એસ.એસ.સી. પાસ થઇ વિજ્ઞાન પ્રવાહમાં ગયો.સંજોગવશાત મેડીકલમાં ન જવાયું .ત્રણ ચાર વર્ષ એમ જ વીતી ગયા .ગ્રેજ્ય્યુંએટ થઇ ૧૯૭૧ માં કવિશ્રી જયંત આચાર્યની નામાંકિત શાળા વિરાણી હાઈ સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનનું અધ્યાપન સ્વીકારી લીધું.શાળાનું ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ .અહિ જ મને 'સરસ્વતીચંદ્ર'ના સર્જક'ગોમાંત્રી' થી શરૂ થઇ વીનેશ અંતાણી મળ્યા.પ્રેમાનંદ-અખાથી શરૂ થઇ રાવજી ,ર.પા.;આદિલ ,અનિલ ,અને મનોજ ખંડેરિયા મળ્યા .શેક્ષ્પીયરથી શરૂ થઇ એલીયેટ મળ્યા .ત્રણ ચાર વર્ષથી છૂટી ગયેલી શબ્દપ્રીતિ જાગી ગઈ .ફુરસદે વંચાતા રહ્યાં .શબ્દરસ ઘૂંટાતો રહ્યો ભીતરની ખરલમાં .શાળા ગ્રંથાલયમાં નિયમિત આવતા સાહિત્યિક સામયિકોના સંપર્ક થી સાહિત્યના ખાસ કરીને કવિતાના સાંપ્રત પ્રવાહોથી જ્ઞાત થતો રહ્યો.ક્યારેક એકાંતમાં કાવ્યસર્જન થતું રહેતું.ઘણા નવોદિત સર્જકો તેઓના પ્રારંભ કાળે પુરોગામી સર્જકોના પ્રભાવ તળે આવી કાવ્યસર્જન માટે પ્રવૃત્ત થતા હોય છે . હું પણ ૧૯૭૨ થી ૧૯૭૫ ના ગાળા માં મુગ્ધ હતો. ૧૯૭૩ માં સુ.દ.ના કવિતા દ્વિમાસિક માં સૌ પ્રથમ એક કાવ્ય પ્રગટ થયું .એ પછી મુંબઈથી પ્રસિદ્ધ થાતા લઘુ સામાયિક 'કૃ' માં (તંત્રી:સુરેશ બારીયા ) પણ કાવ્ય પ્રસિદ્ધ થયું.સ્વહસ્તાક્ષર માં લખયેલ કાવ્યને મુદ્રિત રૂપે જોવાનો રોમાંચ મિત્રો સાથે રહેતો .કશુક સર્જ્યાનો આનંદાનુભવ રહેતો.આ જ સમય ગાળામાં અન્ય કવિમિત્રો સાથે અનિયતકાલીન લઘુસમાંયિક 'ફૂંક'નું પ્રકાશન કાર્ય કરતા રહ્યાં. ય્તરે બીજા ઘણા લઘુ સામયિક પ્રકાશિત થતા હતા .ફેશનપરસ્ત ,નવોન્મેષીઅને વિદ્રોહી પણ .ત્યારના નવોદિત અને આજના પ્રસ્થાપિત કવિઓની રચનાઓ તેમાં પ્રસિદ્ધ થતી .આજે એ બધાં કવિતાની પ્રથમ પાઠ શાળા જેવા લાગે છે .સાથે સાથે સમાંતરે કવિ સંમેલનો ,સાહિત્યિક વ્યાખ્યાનો ,અતિથિ સાહિત્યકારો સાથે સંગોષ્ઠી વગેરે પ્રવૃત્તિઓ રસપ્રદ રહેતી.૧૯૭૩-૭૪ માં બુધસભ જેવી 'સુ-રંગ'નામની સાપ્તાહિક બેઠક લેંગ લાઈબ્રેરીમાં કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના અધ્યક્ષપદે શરૂ થઇ.પીઢ નામી અનામી ,લવરમૂછિયા યુવા કવિઓ આવતા , કવિતા પઠન કરતા .કેટલાક કવિઓની રજૂઆત માંથી કાવ્યપઠન કરતા અને કવિ પદની દીક્ષા લેતા .'કવિતા કાનની કળા'એવું અનુભવાતું.શબ્દનું વજન ,ઉચ્ચારશુદ્ધિ અને લય-છંદ પરત્વે વધુ સભાન્થાવાની આવશ્યકતા જણાતી .
         ૧૯૭૫-૭૬ અને તે પછીના સમય ગાળામાં ગીતો,ગઝલો અને અછાંદસ સર્જન થતું રહ્યું.થોડીક વધુ કાવ્ય્સમજ અને કવિ કર્મની સભાનતા સાથે અન્ય સર્જકોના પ્રભાવમાંથી સ્વકીય મુદ્રા ઉપસાવવા નિજી ભાષા શૈલી નીપજાવવા મથામણ થઇ ચૂકી હતી.'શબ્દ'ને વફાદાર રહેવાની નેમ સાથે .આ બધાં પડકારો ગણી શકાય.સુ.જો. જેવા આધુનિકઅને ર.પા. જેવા ભાષા ઉપર સોળે કળાએ ખીલેલા સર્જકનો સર્જન દ્વારા સામનો કરવો એ દરેક નવોદિત માટે પડકાર જ હતો.
        વર્ષ ૧૯૭૫-૭૬ માં એક ગીત સર્જાયું.તેનો એક આંતરો અવતરિત કરુ  'હો હો કરતુ લાગણીઓનું ટોળું નીકળે કાંઠે
                  આભ લટકતું ઊંધે માથે બોલો કોના માટે ?
                  મોજાંઓ પણ મીંઢા લાગે મીંઢી લાગે જાત
                  દરિયા જેવું કૈ હવે નહિ દરિયો ઝંઝાવાત '
આ ગીત ૧૯૭૬માં કલકત્તાથી પ્રસિદ્ધ થાતા વાર્ષિક ચયન 'કાવ્ય્કેસુડા 'માં નિરંજન ભગતના સંપાદન તળે પ્રસિદ્ધ થયું.સાહિત્યિક મૂલ્યની પ્રથમ સ્વીકૃતિ મળી .સર્જાતા ગીતો ,ગઝલો અને અછાંદસ કૃતિઓ શિષ્ટ સામયિકો જેવા કે કવિતા ,કવિલોક,શબ્દસૃષ્ટિ ,પરબ,અખંડઆનંદ ,તાદર્થ્ય અને અન્ય લઘુ સામયિકોમાં પ્રગટતી રહેતી.વાર્ષિક સંપાદનોમાં પણ કૃતિઓ સંચિત થતી રહી.રાજકોટમાં વિદ્વાન સાહિત્યકારોના વ્યાખ્યાનો યોજાતા રહેતા .ઉમાશંકર જોષી ,સુરેશ જોષી,લાભશંકર ઠાકર ,રઘુવીર ચૌધરી ,ભોળાભાઈ પટેલ અને સિતાંશુ યશશ્ચન્દ્ર  વગેર આવતા .આ બધાં સર્જકોદ્વારા મારી સાહિત્યિક સમજ વધુ વિકસતી રહી.જે સર્જનને ઉપકારક રહી .ગુજરાત સાહિત્ય અકાદમી ની આર્થિક સહાય યોજના તળે ૧૯૮૫માં મારો પ્રથમ કાવ્યસંગ્રહ 'તંદ્રા'પ્રકશિત થયો. જેમાં ગીતો,ગઝલો અને અછાંદસ કૃતિઓનો સમાવેશ કર્યો છે .'તંદ્રા' ના પ્રકાશન સમયે મારી સર્જનપ્રક્રિયા વિશેની ટૂંકી કેફિયત આપી છે .જે આંશિક રીતે અહિ અવતરિત કરું છું .જે લેખના ભાગ રૂપે છે ....(ક્રમશ:)ભાગ -૪ હવે પછી 

Wednesday 15 January 2014

ભાગ-૨ 
કવિતા અને હું ***મહેન્દ્ર જોષી ***શૂન્યમાંથી શબ્દ સર્જાવાની અકળ મથામણ 

    હાઈસ્કૂલના વધુ અભ્યાસ માટે રાજકોટ આવી વસ્યા .ગ્રામ્યજીવન રીતિનો બધો જ ઠાઠ અને સૌન્દર્યલોક પાછળ છૂટીગયો. શહેરનું કાલ્પનિક આકર્ષણ થોડા જ સમયમાં ઓસરતું ચાલ્યું .શહેરના અને હાઈસ્કૂલના અપરિચિત વાતાવરણથી સંકોચાઈ ગયો નગરની અને ઘરની સંકડાસ ભીતરમાં ભરાઈ આવી .નવા મિત્રો થવાને વાર હતી.શબ્દ્પ્રીતિ ને કારણે મારા અતડાપણા અને એકલતાએ શાળાના અને નગરના ગ્રંથાલયોમાં આશ્રય લેવા માંડ્યો. જોડકણા ,બાળવાર્તાઓ  અને કીશોરકથાઓ વંચાતી રહી .રાજકોટમાં જ્યુંબેલીબાગમાં આવેલી જૂની 'લેંગ લાઈબ્રેરી 'માં હારબંધ ગોઠવાયેલા કબાટોમાં રહેલા પુસ્તકો જોઈને રોમાંચ થાય. પહેલી વાર મનોમન પ્રશ્નો થયા શું હશે આ પુસ્તકમાં? કોણ હશે એના લેખક  કેમ અને કેવી રીતે લખ્યું  હશે ?કેવું હશે લેખકનું જીવન ??? આ જ પ્રશ્નો મને ભવિષ્યમાં શબ્દપ્રીતિ માંથી શબ્દ સર્જન પ્રતિ દોરી ગયા હશે . કોઈ તહેવારે મામાએ આપેલા પૈસામાંથી 'લેંગ લાઈબ્રેરી 'નું સભ્યપદ મેળવી લીધું .પાઠ્યપુસ્તકમાં આવતા સર્જક પરિચયમાંથી તેઓના લખાયેલા પુસ્તકોના ખાંખા ખોળાં ગ્રંથાલયના કબાટોમાં કરતો રહેતો.પુસ્તક મળી જાય ત્યારે મળતો આનંદ અનુપમ રહેતો.એક દિવસ કવિતાનો ખજાનો ખૂલી ગયો.તેમાં બિરાજતા હતા ગુજરાતી ભાષાના દિગજ્જ  કવિઓ !પણ એ સમયની ભાવદશા પ્રમાણે ગઝલકારોના સંગ્રહોમાંથી જેટલું ગમતું ગયું , વંચાતું ગયું ,ભીતરમાં રસ-રસાયણ બનતું રહ્યું.બે ત્રણ વર્ષમાં મારું બહિર વિશ્વ અને આંતરવિશ્વ બદલાતું ગયું.ક્યારેક રફ નોટમાં 
કોઈની પંક્તિઓ ઉપરથી શબ્દોની નકલ કરતો થયો....
      ૧૯૬૭ માં થોડા છંદો અભ્યાસક્રમમાં આવતા .મારા એક સહાધ્યાયી મિત્ર આનંદ મહેતાએ નોટમાં ચાર પંક્તિઓ વંચાવી.પછી કહે ,'કયો છંદ છે ,કહી દે' હું ઉત્સાહથી વાંચી ગયો , બંધારણ પ્રમાણે નહિ પણ અમારા ગુજરાતીના સાહેબ જેમ પઠન કરતા તેમ હું ગોઠવતો ગણગણતો રહ્યો.''હાં પસ્તાવી વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે 'તેમ કરતા ગોઠવાઈ ગયું. મેં કહ્યું ,'મંદાક્રાન્તા '....અમારી મુગ્ધ સાહિત્યિક મૈત્રી જામી ગઈ.કાચું પાકું લખી એકમેકને વંચાવી નિજાનંદમાં રહેતા....એસ.એસ.સી. ના વર્ષમાં શાળામાં યોજાયેલી સ્વરચિતકાવ્ય સ્પર્ધા માં ભાગ લીધો.કોણ જાણે ક્યાંથી તે લખતી વેળાએ મારા પિતાજીના અંધ ફૈબા સ્મરણમાં ઝબકી ગયા .ચાર પંક્તિઓ લખી તે આછી આછી સ્મરણમાં છે .
     સહુ ધારે પણ હું ના ધારું ,મલમલ જેવું છે અંધારું ..ઘરના ખૂણે જપ્તું જોયું રામનામનું એક જ અંધારું 
સોળ વર્ષની વયે સર્જાયેલ 'શબ્દ'ને સ્વીકૃતિ મળી.કવિ હોવાના કે બનવાના કોઈ મનોરથ ન હતા .કવિતા એટલે શું ? એના કોઈ ઉત્તર ન હતા પણ મારું ભીતર એકલું એકલું આનંદવર્ષામાં તરબતર રહેતું.
(ક્રમશ:)

કવિતા અને હું

કવિતા અને હું ***મહેન્દ્ર જોષી
(શબ્દસૃષ્ટિ વર્ષ ૨૦૧૧ નવેમ્બેર વિશેષાંક માં પ્રગટ થયેલ કવિ કેફિયત )
                     '  શૂન્યમાંથી શબ્દ સર્જવાની અકળ  મથામણ '

      મારી પહેલી અને છેલ્લી અપ્રગટ કવિતા વચ્ચે ત્રણ સાડા ત્રણ દાયકાનો ક્યાંક લીલો તો ક્યાંક સૂકો પટ પથરાયેલો પડ્યો છે .આ અંતરાલમાં 'શબ્દ' સાથેની મથામણને અંતે શું નીપજ્યું ? કેવું નીપજ્યું ? સાનુકૂળ કે પ્રતિકૂળ વાતાવરણમાં શબ્દ ટકી શક્યો કે હાથથી સારી ગયો ? સજીવ રહ્યો કે નિર્જીવ ?આ બધા પ્રશ્નોમાં મારી સર્જનપ્રક્રિયાના ગૂઢ સંકેતો પડ્યા છે .સ્મૃતિ અને શ્રુતિને આધારે પ્રથમ તો હું મારી શૈશવસૃષ્ટિના પોષક અને પ્રેરક સ્રોતોને અંકે કરી ઉકેલવા ચાહું છું .
   
       મારા પિતાજી પ્રાથમિક શાળામાં આચાર્ય .આઝાદી પછીનો બીજો દાયકો.મધ્યમવર્ગીય પરિવાર .ગાંધીજી પ્રેરિત આદર્શોનું ઘરમાં વાતાવરણ.વેદ, ઉપનિષદ ,ગીતા ,રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું ઘરમાં શ્રવણ અને પઠન.દેવ-દેવીઓના સંસ્કૃતમાં સ્તવન.પિતાજીની મધ્ય સૌરાષ્ટ્રના તાલુકાના જુદા જુદા ગામોમાં બદલી થતી રહેતી.બધા જ ગામોને હતી જીવતી નદીઓ ,રેતાળ પટ ,શિવમંદિરો અને વૃક્ષોનો ઘટાટોપ .બધાં જ ગામોમાં લગભગ એકરૂપ સૌન્દર્યલોક . એ જ મારું ક્રીડા ક્ષેત્ર .એ જ મારું ભેરુઓ સાથેનું આશ્રયસ્થાન .ખેડુપુત્રો મારા સહાધ્યાયી અને ભેરુઓ.રજાના દિવસોમાં તેમની સાથે વાડી-ખેતરે જવાનું .રંગ,રૂપ રસ અને સ્વાદની મજા માણવાની, ભરીભરી અજાયબ રોમાંચક સૃષ્ટિ!મારા અચેતન મનમાં ભાવી સર્જનના કોઈ સંકેતો સંચિત થાતા હશે તેની ત્યારે તો ક્યાં કૈ ખબર હતી ?ખબર માત્ર એટલી જ રહેતી 'બહુ મજા આવે છે  '.ગાઢ ઇન્દ્રીયસંતર્પક અનુભવોની અસર આજે પણ અનુભવાય છે .
     શાળામાં પણ , તેલ,
                       'ખારા ખારા ઊસ જેવા આછા આછાં  તેલ
                         પોણી દુનિયા ઉપર એના પાણી રેલમછેલ
આ અને આવી બીજી કેટલીય પાઠ્યપુસ્તકમાં આવતી કવિતાઓની પંક્તિઓ શિક્ષકની હાજરીમાં ધીમેથી પછી રિસેસમાં ઘાંટા પાડીને લયબદ્ધ બોલવાની સામુહિક મજા લેતા ....એ કવિતા દરિયા વિશેની છે એ જાણી મારા ચિત્તમાં દરિયાનું દ્રશ્ય્કાલ્પણ દ્રઢ થઇ ગયું. આજે ય મારી કવિતામાં એ કલ્પન દીવા જેવું ટમટમે છે ..એ મારી પ્રથમ શબ્દપ્રીતિ.
           બહુધા ગુજરાતી અને ભારતીય્ભાષાના સર્જકોના જીવનમાં બનતા શૈશવના ઇન્દ્રીયસંતર્પક અનુભવોના સર્જક્જીવનમાં એકસરખું ઉદ્દીપન પૂરું પાડે છે .  હું તેમાં અપવાદરૂપ નથી એવું લાગે છે .
             માં,દાદીમા અને ફૈબા ના કંઠેથી રેલાતા હાલર્દાઓનો મધુર શબ્દધ્વનિ ,રાતના ચોરના ચોકમાં  પેટ્રોમેક્શના અજવાળે રમતા તરગાળાઓનાલય લહેકાભર્યા નાટકના   હાસ્ય-કરુણ મિશ્ર સાંગીતિક સંવાદો , અષાઢમાં નાની બાળાઓના મોળાવ્રતો અને કન્યાઓના જયાપાર્વતીના જાગરણ નિમિત્તે ઠઠ્ઠા -મશ્કરી ના લોકગીતોમાં આવતો શબ્દ હિલ્લોળ કાનને બહુ ગમતો .રામજી મંદિરે આરતી પછી ગવાતી ચોપાઈઓ અને સાખીઓ  કર્ણ મંજુલ લાગતી .હું શબ્દ પકડવા ઘણું કરતો પણ વ્યર્થ.રાતે ફળિયામાં ખાટલીમાં સૂતા સૂતા મોડી રાતે દૂર ક્યાંક આવતા શબ્દો , કાને પડતા ...કવિતા ,જોડકણા ,હાલરડા , લોકગીતો અને ભજનોમાં આવતા શબ્દો પ્રતિ મારો એ ખેંચાણભર્યો પડાવ ...મારી શબ્દ્પ્રીતિ વયાનુંસાર ઘેલછામાં પરિણમ્વાનો આરંભ થઇ ચૂકયો  હતો .
(ક્રમશ:)

Tuesday 7 January 2014

એક ગઝલ ***સરનામે ***મહેન્દ્ર જોષી

એક ગેરસમજણ છે બંધ દ્વાર-દરવાજે
રોજ રોજ જીવે છે કોઈ એમ ભણકારે

તેં બધા જ પગલાઓ ભૂંસી એમ નાખ્યા છે
આવનાર આવે , તો આવે ક્યાં એ સરનામે ?

સર્વ કોઈ જાણે છે ,એક હું  જ વણજાણ્યો
કૂજતી રહી કોયલ કેમ ઘર પછવાડે!

સાત રંગ લઈને મેં માંડ દ્રશ્ય સર્જેલું
જાગતા જ રેલાયું ,વિશ્વ એક પલકારે

ના ,વચન મેં કોઈને , કોઈ વાર દીધા છે
તો ય મારે હિસ્સે છે અંત ભાગ વનવાસે

સાવ જીર્ણ વસ્ત્રોમાં સાવ નગ્ન ચરણો લઇ
નીકળી પડ્યો ઘરથી કેમ આમ રઘવાટે !

એક માત્ર ઘટના છે જન્મભરની જોશીમાં
સૂર્ય સૂતો જોયેલો ,વૃક્ષના જ પડછાયે ....

૦૯-૧૨-૨૦૧૩ ...