Translate

Sunday 19 July 2015

ઝૂ માં રહેલ વાઘનું કલાકૃતિમાં રૂપાંતર ***કાવ્યાસ્વાદ ***મહેન્દ્ર જોશી

૧૮-૦૭-૧૫  શનિવાર
આજે એક અમેરિકન  કવિ ડેવીડ ઈગ્નાતો  નું એક લઘુ કાવ્ય  'ઝૂ '  પ્રસ્તુત કરું છું.

 ઝૂ ****ડેવિડ ઈગ્નાતો  અનુવાદ ***સુરેશ દલાલ

સળિયા  પાછળ
વાઘ
ફરતો
ચટાપટાવાળા રેશમ જેવો ..
એક કલાકૃતિ .
મારે પૂજવા છે
એના પંજા.
********************************************

આ કાવ્ય ,આ  કાવ્યના કવિ અને આ કાવ્યના અનુવાદક વિશે વાત કરવી છે ટૂંકમાં .

આ અમેરિકન કાવ્યનો  ગુજરાતી ભાષામાં અનુવાદ કરી ગુજરાતી ભાવકો માટે પ્રગટ કરવાનું શ્રેય બહુશ્રુત સર્જક વિદ્વાન સુરેશ દલાલ ને છે .તેઓ કહે છે ,"અનુવાદ દ્વારા હું મારી ભાષા અને મારી સર્જકતાને સમૃદ્ધ કરું છું.અનુવાદક સાચા અર્થમાં વિશ્વ  નાગરિક છે.સંસ્કૃતિનો દૂત છે.અનુંવાદોને કારણે જ દુનિયા આત્મીય લાગે છે." સાચી જ વાત છે જે દેશ,તેની ભૂગોળ ,લોકો, ભાષા ,સંસ્કૃતિ ,ઇતિહાસ ,તેના સંઘર્ષો ,રીતરીવાજો ખાનપાન ખૂમારી કે દૌર્બલ્ય થી તેના સર્જકો કલાકારો ,રાજપુરુષો થી અજાણ એવાં આપણે કાવ્ય કે કલાકૃતિ  દ્વારા તેના સંવેદનો ને આ રીતે ઝીલીએ છીએ.સંમ સંવેદન અનુભવીએ છે. આમ સર્જક અનુવાદક બેવડું કામ કરે  છે અને વિશ્વની બારી ખોલી આપે છે.

હવે આ અમેરિકન  કવિ ડેવિડ ઈગ્નાતો વિષે......
અમેરિકાના બ્રૂક્લીન રાજ્યમાં ૭ ફેબ્રુઆરી ૧૯૧૪ જન્મ .મોટા ભાગનું જીવન   ન્યૂયોર્ક માં જ વિતાવ્યું.
મૃત્યુ ૧૭ નવેમ્બર ૧૯૯૭ .આ જીવન કાળ દરમ્યાન કવિતાના ૨૫  વોલ્યુમ પ્રસિદ્ધ થયાં.  ઘણા જ સંઘર્ષ થી કારકિર્દીની શરૂઆત કરી. માંસ વેચતી દુકાને, બૂક્બાઈન્ડીંગ  દુકાને, સંદેશવાહક તરીકે , હોસ્પિટલમાં ક્લાર્ક ,વેજીટેબલ માર્કેટમાં ક્લાર્ક પેપરસેલ્સ મેન તરીકે કામ કર્યું. સાથે સાથે મળતા સમયમાં કવિતા લેખન કરતાં રહ્યા  ,તેઓની કવિતા પ્રારંભે સામાજિક ,વ્યક્તિગત સ્વચિંતન ની અભિવ્યક્તિ  રૂપે  ઘરગથ્થું લોકભાષામાં રોજ બરોજની લોકપ્રિય મુક્ત શૈલીમાં સર્જાતી રહી. તેઓના કાવ્યની લાક્ષણિકતા સીધું સરળ વિધાન ,એકદમ પારદર્શક  સ્પષ્ટ ભાષઅને તેના દ્વારા ઝીણું નકશીકામ તેની  કાવ્યાત્મક ગતિ વાસ્તવથી અતિ વાસ્તવ  તરફની જણાય છે. .  ,સરળ પ્રાસાદિક અને માનવીય સાદગી  રહેતી. કાવ્યનું સંવેદન લાગણીસભર પરંતુ અંતે તાત્વિક સંયોજન પામતું. ડેવિડ ઈગ્નાતો કહે છે,'મારું ગૌણ કામ જીવતું રહ્રવાનું છે અને ઈશ્વરીય કામ કવિતા  લખતું રહેવાનું છે." તેઓ કવિતામાં અત્યંત ઓછી પ્રયુંક્તિઓનો આશરો લે છે .

હવે આ કાવ્યની આસપાસ રહીને પરિઘથી કેન્દ્રસ્થ ગતિ કરીએ તો કેમ?
'ઝૂ' શીર્ષક થી ઝૂ માં રહેતા અનેક નિર્દોષ અને કુદરતી હિંસક પ્રાણીઓના સમૂહ ચાક્ષુષ થાય છે.  સળિયા પાછળના એક વાઘ પાસે કાવ્યનાયક (એ ખુદ આ જ  કવિ  હોય તેમ માની લેવાનું નહિ ) આવે છે .એક વાઘ જુએ છે.કેવો?  દેહ ફરતે ચટાપટાવાળો તો ખરો જ પણ જાણે રેશમ  જેવો. કાવ્ય નાયક  નજરથી જ  રેશમનો સ્પર્શ કરે છે .વાઘ તો હિંસક હોય પણ કાવ્ય નાયક ની નજર સૌન્દર્ય દ્રષ્ટિને વરેલી છે તેથી વાઘ વાઘ રહેતો નથી પણ એક કલાકૃતિ રૂપે નિહાળે છે .આ ચૌદ શબ્દના  કાવ્યમાં નવમાં શબ્દમાં તો હિંસક વાઘ કલાકૃતિનું પરિમાણ પામે છે.એક નિર્દેશ એ કરવાનો રહે પેલો વાઘ સળિયા પાછળ છે અને કાવ્ય નાયક મુક્ત જગામ!અહીં સુધી તો કાવ્યનાયક સરળ ભાષામાં વાસ્તવની  ભાષામાં છે  .અને પછી જ વાઘ છલાંગ છે ....મારે એના પગ પૂજવા છે.....અત્યંત લાઘવથી કવિએ મોટા ગજાનું કામ કરી નાખ્યું છે ચૌદ શબ્દોમાં તો કવિ અને કવિતા વિરામ લઇ લે છે ...એવું લાગે પણ કવિતા હવે જ શરૂ થાય છે....

કોઈ  કવિએ આખી દુનિયા ઝૂ હોય એવી કલ્પના કરી લોકોને  અલગ આકારના પ્રાણીઓ રૂપે
જુએ છે.મજાનો ખેલ છે આપણા પંચતંત્રના પ્રાણીઓની બોધકથા જેવો..કોઈ શિયાળ કોઈ ઊંટ કોઈ બગલો  કોઈ કાગડો કો ગધેડો....આ સમગ્ર માનવ વંશ પર ચાબુક  વીંઝ્યો કટાક્ષ છે...પછી તે રાજકીય હોય , સામાજિક હોય ,ધાર્મિક હોય.આપણી દામ્ભિક પ્રવૃત્તિ કે મહત્વાકાંક્ષા ઉપર હોય ..ઉપરના કાવ્યને હવે કોઈ એક ખૂણેથી ન જોતા અનેક કોણીય આવર્તનથી જોતાં અલગ સંદર્ભોથી કાવ્ય વિસ્તાર પામે છે. હિંસક વાઘનું  પૂજ્ય ગણાય તેવા કિસ્સામાં  રૂપાંતર ? અહિંસા ?  સમાધાન? શરણાગતિ? કે કેવળ સૌન્દર્યની ચમત્કૃતિ? કશા ય આરોપણ તરફ ન જઈએ ,  કવિતા વાસ્તવની ખરી પણ કવિએ તેને અતિવાસ્તવનું રૂપ આપી કાવ્યને એક દર્શનીય ભૂમિકા ઉપર મુકી દીધું અને પછી કવિ ચુપ થઇ ગયા !!
કાવ્યનું બીજ  અંતે ભાવકચેતનામાં વિસ્મય થઈને  વિસ્તરે છે...એ જ કાવ્યની ફલશ્રુતિ. અસ્તુ,.
*******************************************************************************






Monday 13 July 2015

બા અને બાપુજી ***મહેન્દ્ર જોશી

બા, ચૂલો તાવડી અને ભાખરી હતી
બાપુજી , ચંપલ થેલી અને બંડીનું  ખિસ્સું
બા, ફૂંકણી દાઝેલી આંગળી અને સોય દોરો
બાપુજી, પાટી પેન પોતું અને પાડા (આંક)


આ હતો બા-બાપુજીનો બચ્ચરવાળ    ઘરસંસાર
અમને લાગતું કે ભાડુતી ઘરમાં
બા નો ખોળો છુપાઈ જવાની જગા છે
અને બાપુજીનો ખભ્ભો રમતનું મેદાન

ખબર નાં પડી ક્યારે મોટા થઇ થાળે પડી ગયા
બા-બાપુજી ફોટો થઇ રહી ગયા
અમારા સહુના ઘરના ઘરમાં

ક્યારેક ધર્મસંકટ આવે ત્યારે
ફરી અમે એ દિવસ નામના
ઘરમાં જઈએ છીએ
જ્યાં બા રસોડું હતી
અને બાપુજી
અમારી નિશાળ .......

*** on fathers day ******
******21-06-15 

Saturday 11 October 2014

કપાસના ફૂલ ***હિન્દી કવિ કેદારનાથ સિંહ ***ગુજ.ભાવાનુવાદ ***મહેન્દ્ર જોશી 

કપાસના ફૂલ 
જે દેવતાઓને પસંદ નથી 
તે આશ્ચર્ય નથી 
આશ્ચર્ય તો તે છે કે કવિઓ પણ કવિતા લખતા નથી 
કપાસના ફૂલ પર ....
પ્રેમીઓ ભેટ ધરતા નથી એકબીજાને 

જયારે તે 
નગ્ન હોવામાંથી બચાવે છે સહુને 
ઈશ્વરને તો ઠંડી લગતી નથી 
તેને માટે નગ્ન હોવું પણ સ્વાભાવિક છે 
એટલું જ દિવ્ય 

એટલે એ નક્કી કે ઠંડી  વિરુદ્ધ 
મનુષ્યે શોધી કાઢ્યું 
પૃથ્વી પરનું કપાસનું પહેલું ફૂલ 

પણ ક્યારે તેણે પહેલવહેલું 'ઝીન્ગોલા' પહેર્યું 
ક્યારે તેણે પહેલી સોયથી પહેલો ટાંકો લીધો 
એ ભૂલી ગઈ છે આપણી ભાષા 

જેમ કે આપણે ખમીસ પહેરીને 
ભૂલી જઈએ છીએ આપણા દરજીનું નામ 
ક્યારેય વિચાર્યું છે આપણું ખમીસ ક્યાં ખેતરમાં ખીલ્યું 
એક કપાસનું ફૂલ થઈને      

જેણે પહેરી રાખ્યું છે તે કૃપા કરીને એક વાર વિચારી લો 
કે આખી આ વાર્તામાં સુતરથી સોય સુધી બધું છે 
પણ તે ક્યાં ગયું જે 
આ વાર્તાનું શીર્ષક હતું .......

****************