Translate

Thursday 7 November 2013

પ્રાર્થના ***મહેન્દ્ર જોષી

તું એક છે મારા સકલ બ્રહ્માંડનું ઝળહળ કમળ
જો ,મેં હથેળીમાં ભર્યા તારા સરોવરના જ જળ

મઘમઘ તને હું જોઉં કે જોઉં હું આ જૂઈનો ભરમ
મારી નજરમાં, ઘ્રાણમાં ,છે શ્વેત ગન્ધોના પડળ

ઓઝલ કરે ઘરની બધી યે ચીજ-વસ્તુઓ પ્રથમ
ઉઘડે ગગન ને ટમટમે તારક સમા ચહેરા અકળ

બહુ વાર મેં કાગળ ઉપર ભૂંસી-લખી કવિતા કરી
ભૂંસી શક્યો ના કદી 'તું ' નામનો અક્ષર  અચળ

એ હઠ કરીને આવશે ,ઝાંઝર પહેરી ઝૂમશે -
એ એક ઝરણું છે ,વાળી લે  ઘર તરફ તું એક પળ

તારી નદીમાં મેં ય તરતી મૂકી નૌકા  આજીવન
બહુ સાંભળ્યું છે આંખમાં પણ હોય છે ઊંડા વમળ

જોષી હવે તો એકસરખા લાગતા ચહેરા બધા
હું મૌનને તળિયે ઠર્યો તો પ્રાર્થનાઓ થઇ સફળ

******************(આગામી ગઝલસંગ્રહમાંથી )

Friday 13 September 2013

સ્મૃતિસંસાર ***મહેન્દ્ર જોષી

ફરી-ફરીને આવું છું એ જ પથ પર એ જ તરુવર એ જ છાયા
એ જ ઘેરાં જાંબલી પર્ણો એ જ સાંજ  એ જ અઢળક  માયા
તારી ચરણધૂલીને કેશરવર્ણી  કરતો એ જ મંદ્ર  તડકો
ચૂમી લઉં છું એ જ વસુંધરાને ફરી ફરી ..તારા નામ પર

 જ્યાં ઊભી તું પ્રતીક્ષા કરતી વ્યાકુળ નેત્રે તારા ગભીર કવિની
શુક્રનો ઉદય થઇ જતો ને રાતરાણી તને ભ્રમિત કરી દેતી
સમય ક્યારેક હાથ ગ્રહી મને રોકી લેતો પેલા ઘોર સર્પવનોમાં
પછી,મારા સ્કંધ પર ઝૂકી ઝરમર્યા કરતો શ્રાવણ તારા નેત્રોમાંથી

આજ,ફરી -ફરી કોઈ ફૂંક મારી જગાડે છે મને સ્મૃતિશય્યામાંથી
એ જ રક્તિમ હોઠ એ જ દંતતપંક્તિ એ જ આર્દ્ર કરતો અવાજ
એ જ રસમય નેત્રો  એ જ ચમકતું ભાલ  એ જ નમનીય રૂપ
સમય ચક્રને પાછું ઠેલતા એ જ હાથ, જાણે તું જ આવી ઊભી છે !

હે મૃણમયી ! હું આ અંધકારમાં બુન્દ બુન્દ દ્રવી જાઉં તે પહેલાં
રજા આપ ,તારા ખોબે ધરી જાઉં ગતકાળના શેષ સ્મૃતિપુષ્પો ....... 

Friday 23 August 2013

અરીસામાં ***મહેન્દ્ર જોષી

તને એવી રીતે હું જોઉં છું મારી પ્રતીક્ષામાં
મને જેવી રીતે હું જોઉં છું ઝાંખા અરીસામાં

બધા રસ્તા નદીની જેમ વહેવા લાગશે ક્યારે?
ચરણ બોળીને બેઠો છું અહી તારા જ રસ્તામાં

બીડેલા છીપ જેવી   લાગણી ને  હાથમાં છે રણ
તને જો ધારણા હો સ્વાતિની તો ફેંક દરિયામાં

મને પંખી કહે પિંજર કહે અથવા કહે આકાશ
છતાં હોતો નથી હું ક્યાયપણ  તારા પુરાવામાં

સળગતા કોલસા પર નીતરે છે આંખના વાદળ
વિચારું જ્યાં તને ત્યાં તો નીકળતો હું ધુમાડામાં

તને છે ઘાસનું ઘેલું મને છે ઓસની  ભીતિ
કહે તું કૈ રીતે મળવું વરસતા છેક તડકામાં

અહી ભયગ્રસ્ત હાથોમાં થયો છું કેદ વર્ષોથી
તને હું કેમ સમજાવું દિવસની એક ઘટનામાં

(કાવ્યસંગ્રહ 'તંદ્રા 'માં થી વર્ષ ૧૯૮૫ ) 

Wednesday 31 July 2013

પ્રેમ પણ શસ્ત્ર છે ***મહેન્દ્ર જોષી 

આપણે 
ભરબપ્પોરે જોયો છે સુર્યને 
રાખ થઇ જતા ઘરના ઉંબરે 

સપનાં ભરેલી હોડીને 
જોઈ છે ડૂબી જતા 
પરિચિત નદીમાં 

હાથમાં રહી ગયા છે 
ઠંડા હાથ 
કેન્સરગ્રસ્ત  સ્વજનોના 

જ્વાળામાં લપેટાતી જોઈ છે 
છેલી આશ જેવી 
ઘરવખરી 

જોયા છે એક પછી એક 
ઘા ઝીલી વિદાય લેતા 
રક્તરંજિત દિવસો

જાણે કોઈ ખેંચી રહ્યું છે 
અટપટા રહસ્યમય  માર્ગે 
આપણ ને 

હજુ ય જ્વાળાઓ ભભૂકી ઊઠે છે 
રાખ ઊડે છે 
કોઈ હાથ પકડી રાખે છે 

પાણી ફરી વળે છે 
આપણી ઉપર 
સ્મૃતિઓનું 

ઊંઘના કિનારે હોડી નાંગરે છે 
એક પછી એક 
મૃતાત્માઓ 
હસતા હસતા આવી પહોચે છે 
આપણી વચ્ચે 

કહે છે :
ડરો નહિ ,પ્રતિકાર કરો 

મરણ જો હિંસક પ્રાણી છે જીવનનું 
તો 
પ્રેમ પણ શસ્ત્ર છે મરણનું 

ડરો નહિ ,પ્રતિકાર કરો ......

................................. 

Sunday 21 July 2013

થોડીક અનુભૂતિઓ મહેન્દ્ર જોષી

થોડીક અનુભૂતિઓ ***મહેન્દ્ર જોષી

(૧)

સુરજ સાખે એક વાત કહેવી છે મનની .
એ ખરું કે તમે સામે હો ત્યારે
ભાન ભૂલી જાઉં છું
દૂર હો ત્યારે
પેલી વાત ઊભરાય કીડીઓ જેમ મનમાં
નજરમાં નજર પરોવી
અક્ષરશઃ કહી દઉં છું જાણે ..
મારા સમ છે તમને
કોઈને કહી દો તો !
હા, તમે અંતર્યામી ખરાને !

(૨)

ધૂળેટીના દિવસે તમને
અલપઝલપ જોયા
રસોડાની બારીમાંથી
ગુલાલ-ગુલાલ!
બધાય કામ પડતા મેલી
દોડી આવી બહાનું કાઢી
તમારી નજરે પડવા

ઉફ ! ત્યાં તમે નહોતા
ભોંઠપનો ભાર મનમાં વેંઢારી
ભરાઈ રહી ભંડકિયામાં
તમારી નજરથી બચવા
પણ ...
રુવે રુવે ફરતી રહી તમારી નજર
આખો દિવસ
હું ગુલાલ ગુલાલ થઇ ગઈ
સાંજ થતામાં.....

(૩)

મોસુઝણુ  થવામાં
સંજવારી કાઢતી ગાતી જાઉં
'શેરી વળાવી સજ કરું હરિ આવોને '

ઘરના વાસી કચરાકૂડા સાથે આવી આંગણામાં
હિંડોળે સાક્ષાત ઝૂલતા હતા તમે !
હું તો હેબતાઈ જ ગઈ
'આવો ' ના ભાન વિના
અડધે વસ્ત્રે દોડી દુપટ્ટો લેવા ...
આંખ ખૂલી ગઈ
ઢોલિયેથી તે હિંડોળા લગ
પગલે પગલે કદમ્બ ફૂલ
દોડીને પાછી આવું તો
હિંડોળો ખાલી ખાલી ઝૂલ્યા કરે
હું પસ્તાવાના કૂવે ડબક ડબક .......

(૪)

સવારની વેળ
દૂધ સાથે ઊભરાઈ ગઈ ..

નાહી તો ખરી
ઠાકોરજી ભૂલાઈ ગયા

બપોરે બળી ગયો દાળનો વઘાર
માંડ માંડ ધોવાયા લૂગડાં
પરવારી આડે પડખે થઇ
ઘરના ગોકીરે વા-વરસાદે ભીંજવી નાખ્યા
કોરા લૂગડાં
રાતે ખીચડીમાં ભૂલાઈ ગયું લૂણ
વાળું ટાણે
ઘર આખાની ધખ ખાધી
રાતે રોવાઇ ગયું એકલા
મારા જ પાલવથી લૂછતી રહી મને
ઢોલીયા ની કોરે આડી  નજરે જોવાઈ ગયું
આભલામાં
તમે લુચ્ચું હસતા નીરખતા હતા મને
નજર ઊંચી કરું ત્યાં તો ..
સમજી ગઈ !
કેટલાય દિવસથી તમને ના દીઠ્યા નું દુ:ખ
ને ઉપર જતા તમારી છાની છાની લીલાઓ !
અંતર્યામી,
આવું શુ કરતા હશો ?
 ....
(૫)

જે કેડીએ તમે આવો અને જાઓ
એ જ કેડીએ હું પણ ..
ઊભું ,જ્યાં ઊભા રહો તમે
બેસી લઉં ,જ્યાં બેસતા હો તમે

તમારી હવામાં લહેરાઉં
તમારા તડકે  તપુ
ભીંજાઉં તમારા વરસાદે
કોરી થાઉં તમારી નજરના વસ્ત્રથી

ગીતની એકાદ કડી ગાઉ
હસી લઉં એકલી એક્લી
ઝાડ ખંખેરું ,ફૂલ વીણુ
પૂજા કરું પ્રસાદ વહેંચું
હીંચકે ઝૂલી લઉં
અધરાતે જાગું
તારાઓમાં તમને ટમ ટમ તા જોઉં
રોઈ લઉં ઉંઘની મારી
મોઢામાં મગ ભરી લઉં
સવાર સવાર

કોણ જાણે  હમણા હમણા
મને આવું કેમ થાય છે ?
તમને આવું કૈ થાય છે
અંતર્યામી? .............
******************************************


Friday 19 July 2013

પિંજર ઘર ***મહેન્દ્ર જોષી

પિંજરઘર ***મહેન્દ્ર જોષી  
ક્યારેક મને 
મેના કહી 
પઢાવે પાઠ રાજા રામના 

ક્યારેક મને 
મૂંગી કોયલ કહી 
કૂજવા કહે ઘરના હિંડોળે 

ક્યારેક મને 
ચાંચ વિનાની કહી 
ચૂગવા કહે 
સોનેરી દાણાઓ 

અંદરના ઓરડે 
છેક અંદરના ઓરડે 
હું પૂછું મને મનોમન 

અરે !
આ તો કેવો પ્રેમી ?

મારું આકાશ કેદ કરી 
મને ઊડવાનું  કહે 
વારંવાર 
તેના પિંજર જેવા 
ખાલી ઘરમાં .......!

Thursday 11 July 2013

બગીચામાં અપરાધ ***મહેન્દ્ર જોષી

ગુલાબનું અંગારા થવું 
એ એક અપરાધ છે 
ગુલાબનું કોઈને ખોબામાં ધરવું 
એ બીજો અપરાધ છે 
ખોબાને સદંતર ભૂલી જવો 
એ વળી ત્રીજો ...

સાંજનું ધીરે ધીરે પડવું 
એ એક અપરાધ છે 
સાંજનું ખાલીખમ્મ બગીચામાં પડવું 
એ બીજો અપરાધ છે 
બગીચામાં એકલવાયા બાકડાનું 
એકલું પડવું એ વળી ત્રીજો ...

આંસુઓ વારે વારે આવી જવા 
એ એક અપરાધ છે 
આંસુઓ પોતાની જ આંગળીઓથી લૂછવા 
એ બીજો અપરાધ છે 
પાસે કોઈનો નામગૂંથ્યો રૂમાલ ન હોવો 
એ વળી ત્રીજો .....
પણ 
કોઈને હમણા જ આવું છું કહીને 
ક્યારેય ન આવવું 
એ સૌથી મોટો અપરાધ છે 
આ જગતમાં 
અપરાધ તો ઘણા છે .......મહેન્દ્ર જોષી (કવિતા દ્વિમાસિક અંક જુન ૨૦૧૩ )

Thursday 4 July 2013

સ્પર્શ :બંગાળી કવિતાનો ગુજ. અનુવાદ

સ્પર્શ ***બંગાળી કવિતા *સમરેન્દ્ર સેન ગુપ્ત ***હિન્દી અનુ.રામશંકર દ્વિવેદી *ગુજ.અનુ.મહેન્દ્ર જોષી

જયારે સ્પર્શ જ સર્વોપરી છે
ત્યારે વાત કરવાનો કોઈ જ અર્થ નથી

શિશુના હોઠ પર જયારે ભાષા નથી હોતી
ત્યારે તે સ્પર્શીને જ તેની જરૂરીયાત બતાવે છે

પુરુષ-સ્ત્રીનો માંસલ આદિમ દ્વન્દ્વ પણ
સ્પર્શમાં જ છુપાયેલ હોય છે

મૌન અથવા સંકેતથી  જ સમજાવવા  ઈચ્છે છે ,
સ્પર્શથી જ સમજાવી શકાય છે
અને મુખ પરની નીરવતા
તેને સંકેત -સૌન્દર્યથી શણગારવા ચાહે છે

તો આવો ફરી
ચુપ રહીને જોઈએ થોડા દિવસ
આવો થોડો સમય
એક પણ વાત કહ્ય વિના
આપણે જીવંત રહી શકીએ છીએ કે નહિ ,,
આપણે તે કરી શકીએ છીએ કે નહિ

સાંજના પાલવમાં
જયારે ઉદ્વિગ્ન તારાઓ
આકાશને ભાષાહીન કરી દે છે

જુઓ કવિતાના અક્ષરો સર્જીને
તેને માટે માત્ર સ્પર્શ જોઈએ
કલામને અન્ગૂલીઓનો સ્પર્શ
કાગળને શાહીનો
અને
મૃત્યુથી નીરવ થઇ જઈએ તે પહેલાં
જે તારા હાથમાં
રાખી દેવા ઈચ્છું છું
ભાષાહીન સ્પર્શનો સંસાર .......અનુ.મહેન્દ્ર જોષી :સૌજન્યસ્વીકાર સર્જક સામયિક બંનેનો ...

Friday 28 June 2013


શ્રદ્ધા ***મહેન્દ્ર જોષી

જીવનમૂડીમાં બચી હતી માત્ર શ્રદ્ધા
જે તેઓને લઇ ગઈ
નદીઓના પવિત્ર જળ પાસે
પહાડ પર બિરાજતા દુરાધ્ય
શિવજી પાસે
ફરફરતી ધજા અને ઘંટનાદ વચ્ચે
રુદ્રના ચરણ પાસે મસ્તક ટેકવ્યું
કહ્યું ,મનોમન
'હાશ ,ભવ તરી ગયા !'
આવીને ધરતીમાંને ખોળે  આકાશ નીચે સુઈ ગયા
હા ,સુઈ ગયા કાયમ માટે
પુણ્યનું ભાથું
પેઢીઓ માટે બાંધી ....

પણ
નદીઓમાં .વનરાજીઓમાં
પહાડોમાં આકાશમાં
એક સનાતન પ્રશ્ન
પડઘાઈ રહ્યો
'પહાડના કલંકિત પાપીઓ
કેમ બચી જતા હોય છે
રુદ્રના તાંડવમાં ....?
...................................................






નદીઓમાં 

Sunday 16 June 2013

તારું હાસ્ય **સર્વેશ્વરદયાલ સક્સેના **હિન્દી કાવ્ય **ગુજ.અનુવાદ **મહેન્દ્ર જોષી

તારું હાસ્ય
ધુમ્મસ વીંધીને સીધું સૂર્યકિરણની જેમ આવે છે
જાણે પ્રભાતની ચકલીઓનું સંગીત
તારું હાસ્ય ....

તું અખબાર લઈને જાણે
બાલ્કનીમાં બેઠી છે એક સૌંદર્યની કલ્પના જગાવતી
નીચે રસ્તા પરની ભીડથી
આસક્ત અને વિરક્ત પણ
તારું હાસ્ય ....

હું તેને ઘણી વાર યાદ કરું છું
જાણે સાંજે એકલો ફરવા નીકળ્યો છું
અજાણ્યા રસ્તા પર
અજવાસ અને અંધકારની
એક વિચિત્ર આત્મીયતામાં
અર્ધ જાગૃત અર્ધ તંદ્રીલ
સ્વયમ માં જ લીન
તારું હાસ્ય ....

ઘણા દિવસ થયા
તેને મારા રક્તપ્રવાહમાં અનુંભવ્યાને

મારી આંખોના અશ્રુજળ થી
પાંખો ફફડાવતા તે હંસને
પામવું દુર્લભ ગતિમાન
તારું હાસ્ય.......................અનુવાદ **મહેન્દ્ર જોષી (સૌજન્યસ્વીકાર )

Wednesday 5 June 2013

મૃણ્મયી

મૃણ્મયી ***મહેન્દ્ર જોષી 

તું 
બેઉ છેડે પ્રજ્જવલિત 
મીણબત્તી 
આગ સંઘરી 
અજવાળું વહેંચે 
ઉંબરની બેઉ બાજુ 

સેતુ છે 
બે પહાડ વચ્ચેનો 
ખીણના ખાલીપામાં 
પહોંચવા ન દે 
મરણના પડઘાઓ 

દરિયાના બેઉ કાંઠે છે 
દીવાદાંડી જેમ 
ભરતી -ઓટની કાયમ સાક્ષી 
મોજાઓ થઇ વિખરાતા
સમયને 
ફીણ ફીણ કરે 
રેતઘરમાં 
એક જ વૃક્ષની 
બે શાખા 
એક છેડે પંખીવિહીન માળો 
બીજે છેડે માળાવિહીન પંખી 
બેઉના સુનકારને 
સંઘરે છાતીમાં 
મુલાયમ પીંછા જેમ 
એક ઘરના 
ઉઘાડબંધ થતા 
દરવાજા જેવું તારું હોવું 
રાતના એક છેડે 
રાતરાણી થઇ થઇ જંપે 
શય્યામાં માંડ 
બીજા છેડે 
પારિજાત  થઇ ઉઘડે તરત 

ટેલીફોનના 
એક છેડેથી 
ખળખળ વહેતો તારો અવાજ 
પહોંચે બીજા છેડે 
ત્યારે 
ચૂરચૂર થાય 
એક ખડક રોજ રોજ ....

તને જાણું છું 
છતાંય નથી જાણતો 
હે મૃણ્મયી !
આખરે તું છે કોણ?............
















Monday 11 February 2013

અંતમાં

અંતમાં **સર્વેશ્વરદયાલ સક્સેના **હિન્દી કાવ્ય અનુવાદ **મહેન્દ્ર જોષી

હવે હુ કશું જ કહેવા માગતો નથી
સાંભળવા  ઈચ્છું છું
એક સમર્થ સાચો અવાજ
જો ક્યાય હોય તો

નહિ તો આ પૂર્વેનું
મારું દરેક કથન
દરેક મંથન
દરેક  અભિવ્યક્તિ
શૂન્યમાં ટકરાઈને ભલે પાછી વળે
 અનંત મૌનમાં સમાઈ જવા ઈચ્છું છું
જે મૃત્યુ છે
'તે કશું કહ્યા વગર મરી  ગયો '
એ વધુ ગૌરવશાળી છે
એ કહેવા કરતા
'તે મરતા પહેલાં કશુંક કહેતો હતો
જે કોઈએ સાંભળ્યું નહિ '
***************************

Tuesday 5 February 2013

દુ:ખની એક વાર્તા

દુ:ખની એક વાર્તા ***રંજીતા દાસ (બંગાળી ) હિન્દી અનુવાદ ***અભિજ્ઞાત 
                                       ગુજરાતી અનુવાદ ***મહેન્દ્ર જોષી 

દુ:ખની એક વાર્તા
રસ્તા અને કેડીઓ પર
ભટકે છે 
ઉપેક્ષિત થઇ થઇ 
બની જાય છે એક ગીત 

ધૂળથી રાજોટાયેલું અંધ માયામય 
આ ગીત સંભળાય છે 
શહેરમાં દોડતી ટ્રેંનમાં મંદિરના રસ્તા પર 
ગરીબ દેશમાં 
ભિખારીઓ સારા ગાયક હોય છે 

ક્યાંથી આવે છે આ સુર
કોઈ  કુરકુરિયા જેમ 
ફાટેલ ફ્રોક પહેરેલ 
વેદનાની પાછળ પાછળ 

રમે છે ખોળામાં આવી ચઢે છે 
ખાલીપો અને વાસી રોટલી 
વહેંચી ખાય છે 
પછી એક દિવસ 
લાલ આંખોવાળા સુર્યની દુનિયામાં 
કોઈ આવી વેદનાને ઊઠાવી જાય છે 

ઊંઘરેટી આંખોથી 
કુરકુરિયા કેવળ સુઈ રહે છે 
મેદાનના સીમાવિહીન ઘાસ પર 

દુ:ખની એક વાર્તા 
રસ્તાઓ અને કેડીઓ પર 
ભટકે છે 
ઉપેક્ષિત થઇ થઇ 
ગીત બની જાય છે આકાશમાં ....(સર્વભાષીય કવિ સંમેલન ૨૫ જા ન્યુંઅરી ૨૦૧૩ ,સૌજન્ય આકાશવાણી રાજકોટ )